03એપ્રિલ2026
Upcoming Events: June 2025 ●Kalyan Lohana Mahajan Website Launch ●Digital VastiPatrak
Upcoming Events: June 2025 ●Kalyan Lohana Mahajan Website Launch ●Digital VastiPatrak
ઈસવીસનની સાતમી સદીથી માંડીને અગિયારમી સદી સુધીનો કાળ ભારતને માટે સરહદી અંધાધુંધી ભર્યો કાળ હતો. આ કાળમાં વિધર્મી મુસ્લિમો, આરબો ને તાર્તારોના ધર્મઝનુની ટોળાઓ સરહદી પ્રદેશમાં ઘસી આવતાં ને આગ, લૂંટ, અને યુધ્ધની કાપાકાપીનો અત્યાચાર સર્જી ભારતને પરાસ્ત કરવા મથતા હતા.
આવા કાળમાં સરહદી પ્રદેશના વિશાળ લોહર રાજયમાં લોહવંશી વીર જસરાજનો ઈ.સ. ૧૦૭૦ માં જન્મ થયો. એમના પિતા વસુપાળ વિશાળ લોહર રાજયના અધિષ્ઠાતા સરનશીન હતા. એમના તાબામાં ચોવીસ જાગીરો અને બાર કિલ્લાઓ હતા અને એમની રાજધાની લોહગઢમાં હતી. તેઓ જેટલા વીર હતા એટલા ઉદાર અને એકવચની હતા. એમને ત્રણ પુત્રો થયા. તેમાં જયેષ્ઠ વચ્છરાજ, એ પછી દેવરાજ અને સૌથી નાના જસરાજ. જસરાજ નાનપણથી જ અત્યંત તેજસ્વી અને શૂરવીર હતા. એ અરસામાં દેવરાજનું વિધર્મીઓ સાથે અથડામણમાં મૃત્યુ થયું તે પછીથી રાણા વસુપાળ પણ આવા જ એક યુધ્ધમાં વીર મૃત્યુને વર્યા. જસરાજની ઉંમર ત્યારે માંડ બાર વર્ષની હતી.

રાણા વસુપાળનું આ રીતે મૃત્યુ થતાં લોહગઢની ગાદીએ રાણા વચ્છરાજ આવ્યા. લગભગ એ જ સમયમાં કાબુલનો શાહ ફિરોજ લામગઢ પર ચડી આવ્યો. ત્યારે લામનો કિલ્લો એમના મામા હરચંદ ઠકરારની સત્તા હેઠળ હતો. એમની મદદે જતાં એ યુધ્ધમાં રાણા વચ્છરાજનો પગ કપાઈ જતાં તેઓ અપંગ બન્યા અને તેમના વતીથી રાજકારભાર વીર જસરાજે સંભાળ્યો.
આ લોહર વીરનું શૌર્ય જોઈને તાર્તારો, ઈરાનીઓ અને અફધાન મુસ્લિમો ચોકી ઊઠયા. કાબુલના શાહ જલાલે જસરાજનું કાસળ કાઢવા શાહી જિરગા બોલાવી. આ વાતની વીર જસરાજને ખબર પડતાં તે ઘોડાના સોદાગરના રૂપમાં કાબુલ પહોંચ્યો અને શાહી જિગારમાં પ્રવેશી પોતાના માથા માટે બે લાખ અશરફીનું ઈનામ જાહેર કરનાર અફઘાનનું માથું ત્યાંજ ઉતારી લીધું. અને એના સેનાપતિ સિંધુ શર્માએ શાહ જલાલને ભાલો મારી સિંહાસન સાથે જડી દીધો. એક નહિ પણ અનેક યુધ્ધના પ્રસંગોએ આવી વીરતા દાખવનાર જસરાજના લગ્ન પ્રસંગે ઉન્નકોટમાં ત્યારે ધામધૂમ ચાલતી હતી ત્યારે એ તકનો લાભ લઈ એક બિદાયુ શત્રુઓની ટોળીએ ઉન્નકોટ પર ચડી આવીને ઉન્નકોટનું ગૌધન વાળી ચાલતી પકડી. ગામનું ગૌધન વાળી જવું એ કાળમાં ગંભીર વાત ગણાતી હતી. આ વાતની ખબર પડતાં વીર જસરાજનો સેનાપતિ લગ્નમાં વિઘ્ન ન પડે એ માટે ચૂપચાપ થોડું સૈન્ય લઈને શત્રુઓની પાછળ પડયો.
બંને વચ્ચે ઘમસાણ યુધ્ધ થયું. આ યુધ્ધમાં સિંધુ શર્માનું માથું કપાયું આથી એમનો વફાદાર અશ્વ સિંધુ શર્માની માથા વગરની લાશ લઈને ભાગ્યો અને ઉન્નકોટમાં જ્યાં લગ્નની ધમાલ મચી હતી ત્યાં જઈને ઊભો રહ્યો. બરાબર એ જ સમયે લગ્નના વાઘા પહેરીને વીર જસરાજ લગ્ન મંડપમાં બરાજયા હતા. તેમણે દૂરથી સિંધુ શર્માનો અશ્વ જોયો. એ દ્રશ્ય જોઈને એમનું રઘુવંશી ખમીર ઉછળી આવ્યું. માથાનું મંદિલ ફેંકી દઈને જસરાજ લગ્ન મંડપમાંથી કૂદ્યા. પછી તો લગ્ન લગ્નને ઠેકાણે રહ્યા ને વીર જસરાજ ગૌધન વાળી જનાર શત્રુઓની પાછળ પડયા અને ભૂખ્યા સિંહની જેમ પોતાના સૈનિકો સાથે તરંગતાઈ નદીના કાંઠે તેમના પર તૂટી પડયા. અંતે શત્રુઓ ગૌધન મૂકીને ભાગ્યા. વીર જસરાજ ગૌધન પાછું વાળી ઉન્નકોટને પંથે પડયા. પરંતુ એમના હૈયામાં જાણે જરાય હોંશ નહોતી. એમના હૈયામાં જરાય જંપ નહોતો. આ સ્થિતિમાં વીર જસરાજ ઉન્નકોટના દરવાજે આવ્યા. દરવાજા આગળ પહોંચતા એક શત્રુએ હિંદુના વેશમાં વીર જસરાજ આગળ આવીને શિર ઝુકાવ્યું અને બીજી જ પળે તલવારનો ઘા કરી વીર જસરાજનું માથું વાઢી નાખ્યું. ત્યાં તો એમના સરદાર ઈંદ્રસેને આગળ આવી દગાખોર શત્રુની છાતીમાં પોતાનો ભાલો ઘોંચી દેતા એ ત્યાં જ ઢળી પડયો.
આમ ચોવીસ વર્ષની વયે ૧૦૯૪ માં વીર જસરાજનું વીર મૃત્યુ થયું. વીર જસરાજ જતા લોહર પ્રદેશ જાણે રંડાઈ ગયો. આર્યવર્તના સરહદી દ્વાર વિધર્મીઓ માટે ખૂલ્લા થયા. આજે આ લોહર પ્રદેશમાં વીર જસરાજની તેમના પ્રિય અશ્વ લાલુ સાથેની ખાંભી પૂજાતી ઊભી છે અને કુર્મ નદીના કિનારે એમની પૂણ્યતિથિએ મોટો મેળો ભરાય છે. ને એ લોહર વીરના પરચાઓ આજે પણ મોજૂદ છે. એટલુંજ નહિ લોહાણા લગ્ન પ્રસંગે એ વીરનું સ્મરણ કરવામાં આવે છે અને સપ્તપદી પહેલાં એ વીરના માનમાં વરને માથે બાંધેલું સેલું ઉતારી સફેદ ફેંટો બાંધી તે પર કૂમકૂમના છાંટણા કરવામાં આવે છે. આ વીર જસરાજ ચંદે કુળના હોઈ સરહદી પ્રદેશમાંથી ૧૪ મી સદીમાં કચ્છમાં ઉતરી આવેલા એમના વંશજો ડાડા પૌત્ર ચંદે કે ચંદનના નામથી ઓળખાય છે.
આજે વીર દાદા જસરાજ રાણા, ચંદારાણા પરિવારના તથા કચ્છના સારસ્વત બ્રાહ્મણોના જાગૃત કુળદેવ તરીકે પૂજાય છે.
