Contacts

Matushri Shambai Kalyan Lohana Mahajanwadi, Agra Road, Kalyan-W. 421301

kalyan.lohanas@gmail.com

02512306695 / 02512327840

કલ્યાણ ખાતે

શ્રી લોહાણા મહાજનવાડીની સ્થાપનાની પૂર્વભૂમિકા

કલ્યાણમાં મહાજનવાડી બંધાવવાની મૂળ ઈચ્છા સ્વ. શ્રી. મોરારજી ગીરધર વિઠલાણી (જેમણે કલ્યાણમાં ટિળક ચોક પાસે શ્રી મુરલીધર મંદિર ઈ.સ.૧૯૨૪ પહેલા બંધાવેલ) તેમની હતી. તે જ પ્રમાણે તેઓએ મહાજનવાડી બંધાવવાનો પાકો નિર્ણય પણ કરેલ પરંતુ ઈશ્વર ઈચ્છા કંઈક અલગ હોવાથી તેઓ ઈ.સ. ૧૯૨૪ માં શ્રીજી ચરણ પામ્યા. તે પહેલા પોતાની બે ઈચ્છાઓ (૧) કલ્યાણમાં જ્ઞાતિની વાડી બંધાવી (૨) શ્રીનાથજીની ધ્વજાજીની પધરામણી કરાવવી. એમ આ બંને ઈચ્છાઓની પુર્તિ કરવા તેમના અર્ધાંગિની શ્રીમતી શ્યામબાઈને કહેલ, તેથી પોતાના પતિની બંને ઈચ્છાઓની પુર્તિ કરવા માટે શ્રીમતી શ્યામબાઈ મા એ અડગ નિર્ધાર કરીને, પોતાની ભાડાની થતી મર્યાદિત આવકમાંથી પાઈ પાઈ, પૈસો પૈસો ભેગો કરીને અને પોતે ખૂબજ સાદાઈથી જીવીને મહાજનવાડી માટે બચત કરવા માંડી.

mahajan-sthapna

ધીરે ધીરે જયારે અમુક રકમ ભેગી થઈ ત્યારે તેમણે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમજ અમારા પૂ. પિતાશ્રી શ્રી ગોવિંદજી મોરારજીને મહાજનવાડી બંધાવવા વિશે સમય સમય પર કહ્યા કયું, પરંતુ તેઓ પોતાના કામની વ્યસ્તતાને લીધે ઉપરોકત કામ માટે સમય ફાળવી નહીં શકે તેમ લાગવાથી તેમણે એક દિવસ આ અભણ પરંતુ મહાજનવાડી બંધાવવા માટે કૃતનિશ્ચયી માજી એ મને (મારી ઉંમર ત્યારે લગભગ ૧૦ થી ૧૨ વર્ષની હશે) સાથે લઈને શ્રી મગનલાલ સોઢાની કાપડની દુકાને ગયા. ત્યારે લગભગ સાંજના પ।। વાગ્યાનો સમય હતો. તેમણે શ્રી મગનભાઈ સોઢાને ગામમાંથી બધી જ પ્રતિષ્ઠિત વ્યકિતઓને તે જ સમયે બોલાવવા વિનંતી કરી અને થોડી જ વારમાં માજીની આજ્ઞાને માન આપી શ્રી છોટાલાલ કારિયા, શ્રી રતિલાલ કારિયા, શ્રી હીરાભાઈ કારિયા, શ્રી રણછોડ ભાણજી, શ્રી રણછોડભાઈ તન્ના ને ભેગા કરીને તેમની સન્મુખ માજીનો મહાજનવાડી બંધાવવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યો. માજીએ પોતાની ઈચ્છા વ્યકત કરતાં કહ્યું કે “મારે મહાજનવાડી મારી હયાતીમાં જોઈને પછી મરવું છે. જે પૈસા મેં ખૂબ કષ્ટ વેઠીને ભેગા કર્યા છે. તેનો ઉપયોગ ભલે વાડી બંધાવવા માટે પણ મારા ગુજરી ગયા બાદ થશે એ કલ્પના હું સહન જ કરી શકતી નથી. તેથી તમે લોકોને વાડી તુરંત જ બંધાવવાની તૈયારી કરો છો કે નહીં તેનો જવાબ મને હા કે ના માં અત્યારે જ બધાની હાજરીમાં જોઈએ છે'.

આટલો દ્રઢ નિશ્ચય જોયા પછી ગામનાં મહાજનો જે ત્યારે માજી સામે જ હતા, તેમણે માજીનો નિશ્ચય માથે ચડાવ્યો અને માજીને ખાતરી આપી કે 'બનતી ત્વરાએ મહાજનવાડી બંધાવવાનું કામ ચાલુ કરીશું.' અને શામબાઈ લોહાણા મહાજનવાડીનું કામ શરુ થયું. પછી તે કામ પૂરૂ થયેથી લગભગ ૧૯૫૮માં મહાજનવાડીમાં શ્રીનાથજીની ધ્વજાજીની પધરામણી તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું.

આ પ્રમાણે અમારા પૂ. દાદાશ્રી મોરારજી ગિરધરનું સ્વપ્ન અમારા પૂ. દાદીમા શ્રીશ્યામબાઈએ પૂરું કર્યું ..

લિ. હરિષભાઈ ગોવિંદજીભાઈ વિઠ્ઠલાણી

સંક્ષિપ્ત ઈતિહાસ

શ્રી કલ્યાણ લોહાણા મહાજનનો

સૌરાષ્ટ્રના હાલાર, ઘોઘા અને કચ્છ-સિંધ પ્રાંતમાંથી એક સદી પહેલાં હિજરત કરી કલ્યાણ આવી લોહાણા જ્ઞાતિજનોએ કલ્યાણને પોતાની કર્મભૂમિ બનાવી વસવાટ કર્યો છે. ૧૯૧૫માં ૫૦ જેટલા જ્ઞાતિ પરિવારોની વસ્તી હતી. સન ૧૯૨૮માં શેઠશ્રી ધરમશી ખેરાજનાં પ્રમુખપદે શ્રી કલ્યાણ લોહાણા મહાજનની વિધિવત સ્થાપના કરવામાં આવી. લોહાણા સ્વયંસેવક મંડળના નેજા હેઠળ જ્ઞાતિ-ઉત્કર્ષના કાર્યો હાથ ધરવામાં આવ્યા. સન ૧૯૪૬માં માતુશ્રી શામબાઈ મોરારજી તરફથી રૂા. ૩૧૦૦૦/- કિંમતનો પ્લોટ, કલ્યાણમાં લોહાણા મહાજનવાડી બનાવવા લોહાણા સેવા સમાજ હસ્તક સમાજને ભેટ મળ્યો. કલ્યાણના જ ઉદારચરિત દાતાઓની સખાવતથી માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડીના બાંધકામનું કાર્ય આરંભાયું. આ જ જગ્યામાં શ્રી રતિલાલ ભગવાનદાસ અને શ્રી દ્વારકાદાસ ભગવાનદાસ બંધુ બેલડીના સન્નિષ્ઠ પ્રયાસોથી શેઠશ્રી રામજીભાઈ ખીમજીભાઈ કેસરવાળા તરફથી તેમનાં ધર્મપત્ની સ્વ. નંદુબેનના સ્મરણાર્થે રૂા. ૧૫૦૦૦/-ની કિંમતની ૮ રૂમો બંધાવી આપણા જ્ઞાતિજનોના લાભાર્થે મહાજનશ્રીને ભેટ મળી. ૨૯ સભ્યોનું માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું જે REGISTRATION OF PUBLIC TRUST ACT 1950 હેઠળ ૧૯૫૩માં રજિસ્ટર થયું. શ્રી કલ્યાણ લોહાણા મહાજન ટ્રસ્ટને પણ ત્યારબાદ તરત જ ૧૯૫૩માં રજિસ્ટર કરાવ્યું.

શ્રી કલ્યાણ લોહાણા મહાજનનું સ્થાયી કાર્યાલય ૧૯૭૫માં માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ખાતે કાર્યરત થયું ત્યારથી જ કલ્યાણમાં વસતા સમસ્ત લોહાણા જ્ઞાતિજનોનું સ્નેહ સંમેલન અને શ્રી જલારામ જયંતી ઉત્સવ દર વર્ષે ઉજવવાની શરૂઆત થઈ. મહાજનવાડીમાં ઉજવાતા આપણા જ્ઞાતિ પરિવારોના લગ્નોત્સવ પ્રસંગે વર-વધૂને ફૂલહાર પહેરાવી મહાજનશ્રી તરફથી આશિષ-પત્રિકા આપવાની તેમજ જ્ઞાતિજનોનાં મૃત્યુ-પ્રસંગે દિલાસો-આશ્વાસન પત્ર પાઠવવાની પ્રથા શરૂ કરવામાં આવી.

શ્રી કલ્યાણ લોહાણા મહાજને INCOME TAX ACT 1961 - SECTION 80G હેઠળ તા. ૨૧/૭/૧૯૮૦ થી આવકવેરામાં માફીનું સર્ટિફિકેટ મેળવી કલ્યાણના સખાવતી જ્ઞાતિજનો પાસેથી સાડા નવ લાખ રૂપિયાનું દાન મેળવી મહાજનવાડીના પ્રથમ માળનું બાંધકામ કર્યું. જે માટે સર્વશ્રી હીરાલાલ છોટાલાલ કારિયા, ગોરધનદાસ વિઠ્ઠલદાસ કારિયા, કાંતિલાલ હરિલાલ મૃગ, અજીતભાઈ વાલજીભાઈ કારિયાએ અગાસી મંડળના સાથ સહકારથી વિશિષ્ટ જહેમત ઉઠાવી હતી. મહાજનશ્રીના સક્રિય કાર્યકર્તાઓએ બીજા અઢી લાખ રૂપિયા એકત્ર કરી બીજા માળનું બાંધકામ પૂર્ણ કર્યું. આમ થાણા જિલ્લાની બેજોડ અને ભવ્ય મહાજનવાડી ઊભી થઈ.

સન ૧૯૭૯માં શ્રી કલ્યાણ લોહાણા મહાજન-યુવા સમિતિની સ્થાપના થઈ. મોરબી રેલ સંકટ સમયે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની અપીલના પ્રતિસાદરૂપે મહાજનશ્રી તરફથી રૂા. ૧૫૦૧/- રઘુવંશી રેલ રાહત સમિતિને આપવામાં આવ્યા. કુદરતી અને માનવસર્જિત આફતો વખતે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર કલ્યાણ અને પરિસરના સમાજના દરેક સ્તરના લોકો માટે મહાજનવાડીના દરવાજા ખોલી નાખી આશરો આપી દરેક પ્રકારની સહાય મહાજનશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલ છે. યુવા સમિતિ દ્વારા જ્ઞાતિના હોનહાર વિદ્યાર્થી ભાઈ-બહેનો-તેજસ્વી તારલાઓનું 'સરસ્વતી સન્માન' કરવાની શરૂઆત કરી. સન ૧૯૮૫થી યુવા સમિતિ દ્વારા જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ-બહેનોને રાહતના દરે નોટબુકોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું.

મહાજનશ્રી દ્વારા ૧૯૮૫માં સર્વપ્રથમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૫૫ જેટલા બટુકોએ ભાગ લીધો. લગ્ન પ્રસંગે યોજાતા સત્કાર સમારંભમાં થતા ગજા ઉપરાંતના ખર્ચાઓને નાથવાના શ્રી લોહાણા મહાપરિષદના ઠરાવમાંથી પ્રેરણા લઈ મહાજનશ્રીએ 'સત્કાર સમારંભ' ને તિલાંજલી આપનાર જ્ઞાતિજનને મહાજનવાડી વિના મૂલ્યે ઉપલબ્ધ કરી આપવાની પ્રથા શરૂ કરી. જેના પરિણામ સ્વરૂપ કલ્યાણમાંથી 'સત્કાર સમારંભ' જેવી ખર્ચાળ પ્રથા લગભગ નાબૂદ જ થઈ ગઈ. જેનું કલ્યાણ પરિસરના અન્ય મહાજનોએ અનુકરણ કરતાં આના સુખદ પરિણામો આવ્યા.

શ્રી કલ્યાણ લોહાણા મહાજનની આવકારદાયક 'આદર્શ લગ્ન' યોજનાનો આરંભ જેમાં સાવ નજીવા ખર્ચે મહાજનશ્રી દ્વારા 'આદર્શ લગ્ન' કરાવી આપવામાં આવે છે. જેમાં મહાજનવાડી, મંડપ-ડેકોરેશન, પૂજા-સામગ્રી, ગોર મહારાજની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નોત્સવ પાંચ કલાકમાં પૂર્ણ થાય છે જેમાં ઉભય પક્ષના ૫૦-૫૦ આમંત્રિતો માટે જમણવાર થાય છે તથા દહેજ અને કરિયાવર જેવા કુરિવાજોને તિલાંજલી આપવાની હોય છે. સાધારણ સ્થિતિના જ્ઞાતિજનો માટે 'આદર્શ લગ્ન' આશીર્વાદરૂપ બન્યા છે.

૧૯૮૯ના કલકત્તા ખાતેના શ્રી લોહાણા મહાપરિષદના ઐતિહાસિક પંચમ અધિવેશનમાં મહાજનશ્રીના પ્રતિનિધિમંડળે ઉપસ્થિત રહી સ્થપાયેલ શ્રી રઘુકુળ આરોગ્ય નિધિમાં શ્રી કલ્યાણ લોહાણા મહાજને રૂા. ૧૫૦૦૧/- નું યોગદાન આપ્યું. પંચમ અધિવેશન વખતે નવનિર્વાચિત પ્રમુખશ્રી, આપણા પ્રેરણામૂર્તિ, સાચા કર્મયોગી આદરણીય શ્રી હરિભાઈ ડ્રેસવાલાના શબ્દો - 'મહાજનવાડીઓ માત્ર અર્થોપાર્જનના સાધન ન બની રહેતા ખરા અર્થમાં સંસ્કારધામ બનવા જોઈએ...' તેઓના આ શબ્દોએ અમારા માટે પ્રેરણા પિયુષનું કામ કર્યું ને માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી, જ્ઞાતિહિતની સમાજોપયોગી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સદાય ધમધમતું સંસ્કાર કેન્દ્ર- SOCIO ECONOMIC CENTRE બની ગયેલ છે.

કલ્યાણ અને કલ્યાણ પરિસરના મહાજનોનું સંગઠન બનાવી તે સંગઠનના નેજા હેઠળ જ્ઞાતિહિતની પ્રવૃત્તિઓ સંયુક્ત રીતે કરી શકાય તેવા હેતુથી તા. ૧૮/૨/૧૯૯૦ના કલ્યાણ, ડોંબિવલી, ભીવંડી મહાજનોનું એક સંમેલન કલ્યાણ ખાતે યોજાયું. દર ત્રણ મહિને વારાફરતી અલગ અલગ મહાજનશ્રીના યજમાનપદે ભેગા મળી વિચારોની આપ-લે દ્વારા સંયુક્ત પ્રવૃત્તિઓનું આયોજન કરવાના અનુસંધાનમાં તા. ૧૮/૬/૧૯૯૦ના ભીવંડી ખાતેના સંમેલનમાં થાણા અને નવી મુંબઈના મહાજનો પણ સાથે જોડાયા તા. ૦૨/૧૦/૧૯૯૦ના ડોંબિવલી ખાતેના સંમેલનમાં પાંચેય મહાજનોના સંગઠનના નેજા હેઠળ પરિચય મિલન સમારંભ અને સમૂહ લગ્ન-યજ્ઞોપવિત સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જે મુજબ તા. ૧૮/૨/૧૯૯૧ના કલ્યાણ ખાતે સંગઠનના નેજા હેઠળ પ્રથમ સમૂહ લગ્ન-યજ્ઞોપવિત સમારંભનું આયોજન થયું. શ્રી કલ્યાણ લોહાણા મહાજનની આગેવાની હેઠળ સ્થપાયેલ આ સંગઠન ફૂલીફાલીને એક વટવૃક્ષ સમાન 'શ્રી લોહાણા સમાજ સંગઠન' (કોંકણ વિભાગ) બની ગયું છે જેમાં થાણા, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના મહાજનો સામેલ છે.

૪ ફેબ્રુઆરી ૧૯૯૦ ના મહાજનવાડીમાં એક લગ્ન પ્રસંગે રાંધણ ગેસ ટાંકી વિસ્ફોટની માઠી દુર્ઘટના બની ગઈ. મહાજનવાડીના આવાસમાં રહેતા કેટલાક ભાઈઓ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા તો એક જ્ઞાતિભાઈએ જાન ગુમાવ્યો. ત્યારે મહાજનશ્રીના કાર્યકર્તાઓએ તેઓની સારવાર અને જીવનનિર્વાહનો પ્રબંધ કર્યો હતો. માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પાસે સહાય માટે ટહેલ નાંખતા તેમના પાસેથી રૂા. ૭૫૦૦૦/- જેટલી માતબર રકમની સહાય મળી હતી.

તા. ૨૧/૧૦/૯૦ ના યોજાયેલ જ્ઞાતિ સ્નેહ સંમેલન પ્રસંગે પધારેલ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રી હરિલાલ ભગવાનજી ડ્રેસવાલાના વરદ હસ્તે મહાજનવાડી ખાતે શ્રી રઘુવંશી પોલીક્લિનિકનું ઉદઘાટન કર્યું જેમાં કલ્યાણના તજજ્ઞ તબીબો દ્વારા સેવા ભાવે તબીબી સારવાર આપવામાં આવી. ૧૯૯૦-૯૩ ની શ્રી કલ્યાણ લોહાણા મહાજનની કારોબારી સમિતિમાં સર્વપ્રથમ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું. તા. ૨૦/૧૦/૧૯૯૦ ના રોજ શ્રી કલ્યાણ લોહાણા મહાજન-યુવા સમિતિ સંચાલિત 'રઘુવંશી રિક્રીએશન સેન્ટર' નું ઉદઘાટન કલ્યાણ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી યુ.પી.એસ. મદનના હસ્તે કરવામાં આવ્યું.

તા. ૨૧/૦૪/૧૯૯૧ ના રોજ શ્રી કલ્યાણ લોહાણા મહાજનની માસિક પત્રિકા - મુખપત્ર || રઘુવંશમ્ || ની શુભ શરૂઆત કરવામાં આવી. જેનું વિમોચન આપણી જ્ઞાતિના જયેષ્ઠ પત્રકાર શ્રી વ્રજલાલ વસાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. || રઘુવંશમ્ || ની શરૂઆતથી જ સક્રિય રીતે સંકળાયેલા શ્રી જયેશભાઈ ત્રંબકલાલ કારિયા આજે ૧૫મા વર્ષમાં પ્રવેશ સમયે પણ તંત્રી તરીકેની જવાબદારી બખુબીથી નિભાવી રહ્યા છે અને રઘુકુલમ્ | રઘુવંશમ્ || નું સુચારૂ સંચાલન કરી તેનું નિયમિત પ્રકાશન સાતત્યથી કરી રહ્યા છે. આપણું મુખપત્ર દર મહિને દેશભરમાં લોહાણા સમાજને પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને || રઘુવંશમ્ || ના સચોટ તંત્રી લેખ માટે ચોતરફથી પ્રશંસાના સંદેશા મળતા રહે છે. આપણા તંત્રી શ્રી જયેશભાઈ કારિયા જે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના મુખપત્ર 'શ્રી રઘુકુળ વિશ્વ' ના સ્થાપક તંત્રી છે. જેનો મહાજનશ્રીને ગર્વ છે.

તા. ૦૮/૦૮/૧૯૯૨ ના શ્રી કલ્યાણ લોહાણા મહાજનના યજમાન પદે મહાજનવાડી ખાતે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવેલ.

૧૯૬૦ માં થડાયેલ મહાજનશ્રીનું તત્કાલિન જૂનું બંધારણ, સમય સંજોગો અને સામાજિક પરિસ્થિતિને અનુરૂપ આવશ્યક ફેરફાર અને સુધારા વધારા સાથે શ્રી કલ્યાણ લોહાણા મહાજનનું અધ્યતન નવું બંધારણ તા. ૨૨/૧૧/૧૯૯૨ થી અમલમાં આવ્યું.

આજે રવિવાર, તા. ૨૩ એપ્રિલ ૨૦૦૬ ના શુભ દિને, માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી જયંતીભાઈ કુંડલિયાના વરદ હસ્તે શ્રી કલ્યાણ લોહાણા મહાજનના નવનિર્મિત 'વસ્તી પત્રક' નું વિમોચન કરવામાં આવ્યું તે પહેલા ૧૯૯૩ ની સાલનું 'વસ્તી-પત્રક' તૈયાર થયેલ જે અસ્તિત્વમાં હતું.

વિશ્વભરના લોહાણા મહાજનોમાં જ્ઞાતિહિતની સમાજોપયોગી વિવિધ રચનાત્મક સર્વોત્કૃષ્ટ પ્રવૃત્તિઓ માટે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી કલ્યાણ લોહાણા મહાજનને સ્વ. શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરીયલ ટ્રસ્ટ પ્રાયોજિત 'આદર્શ મહાજન' નું રૂા. ૫૧૦૦૦/- નું પારિતોષિક આપી નવાજવામાં આવેલ છે. ટ્રસ્ટના નિયમ પ્રમાણે પારિતોષિકની રકમનો જ્ઞાતિ હિતાર્થે સદુપયોગ કરવાનો હોઈ કલ્યાણના સખી દાતાઓ સ્વ. શ્રી હિરાલાલ છોટાલાલ કારિયા પરિવાર, સ્વ. શ્રી માધવજીભાઈ હરજીભાઈ તન્ના પરિવાર, સ્વ. શ્રી રતિલાલ ઠાકરસીભાઈ સુચક પરિવાર, સ્વ. શ્રી. વિઠ્ઠલદાસ મેઘજીભાઈ કારિયા પરિવાર, કર્મયોગી શ્રી કૃષ્ણદાસ મથુરાદાસ અઢિયા પરિવાર, સ્વ. શ્રી મનસુખલાલ ચુનીલાલ પોપટ પરિવાર અને સ્વ. શ્રી કનૈયાલાલ જમનાદાસ તન્ના પરિવારના પ્રત્યેકી ૧૭૦૦૦ થી ૨૫૦૦૦ જેટલી માતબર રકમ તેમાં ઉમેરી કુલરકમને ફિકસડ્ ડિપોઝિટમાં રાખી તેના વ્યાજમાંથી દર વર્ષે સ્વ. શ્રી મંગુભાઈ દત્તાણી મેમોરિયલ ટ્રસ્ટ પ્રાયોજિત સાત દિવસની 'શ્રી રઘુવંશી વ્યાખ્યાનમાળા' નું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તેનું દસમું વર્ષ છે.

તેવી જ રીતે કલ્યાણના સખી દાતાઓ સર્વશ્રી મનહરલાલ લક્ષ્મીદાસ વડેરા, પ્રભુદાસ મગનલાલ માખેચા, કાંતાબેન રતિલાલ સુચક, દિલીપભાઈ મોહનલાલ સુચક અને દિપકભાઈ બાબુલાલ કારિયાના પ્રત્યેકી રૂા. ૫૦૦૦/- પ્રમાણે કુલ રકમના વ્યાજમાંથી દર વર્ષે શ્રી બૃહદ્ ગુજરાતી એજયુકેશન સોસાયટીના સાથ અને સહકારથી S.S.C. ના વિદ્યાર્થીઓ માટે તે તે વિષયના તજજ્ઞ શિક્ષકોની શૈક્ષણિક વ્યાખ્યાનમાળાનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

શ્રી દિલીપભાઈ સુચક અને શ્રી કમલભાઈ આડયિતાના સૌજન્યથી ૫૦ જેટલા રૂગ્ણોના વિનામૂલ્યે મોતિબિંદુના ઓપરેશન્સ કરાવી આપવામાં આવ્યા છે જે માટે ડો. બિપીનભાઈ વસાણીના અમૂલ્ય સલાહ, સૂચન, માર્ગદર્શન અને આયોજન પ્રમાણે યુવા સમિતિના યુવાનોએ સરાહનીય કાર્ય કર્યું હતું.

શ્રી કલ્યાણ લોહાણા મહાજનની વાર્ષિક કાયમી યોજના છે જેમાં રોજના રૂપિયા ૧ પ્રમાણે રૂા. ૩૬૧/- માં પારેવાને ચણ, રૂા. ૧૦૦૦/- માં એક વિદ્યાર્થી દત્તક જેવી યોજનાઓ કાર્યાન્વિત છે. શ્રી કલ્યાણ લોહાણા મહાજનની પેટા સમિતિઓ વયસ્ક સમિતિ, મહિલા સમિતિ અને યુવા સમિતિના સાથ અને સહકારથી માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી જ્ઞાતિહિતની સમાજોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા સદાય ધમધમતી રહે છે. દર વર્ષે શ્રી જલારામ જયંતી, તથા શ્રી દરિયાલાલ જયંતી જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

સમાજના કલાકાર ભાઈ-બહેનોને તેમની કલા સમાજ સમક્ષ રજૂ કરવા મંચ પુરૂં પાડવાના આશયથી દર વર્ષે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 'ગુર્જરી કલા મહોત્સવ' નું આયોજન કરવામાં આવે છે.

અને અંતમાં કલ્યાણ અને કોનમાં વસતા સમસ્ત લોહાણા જ્ઞાતિજનોને શ્રી કલ્યાણ લોહાણા મહાજનના નોંધાયેલા સભ્ય બનવા તથા માત્ર રૂા. ૧૦૧/- માં મહાજનશ્રીના મુખપત્ર રઘુકુલમ્ || રઘુવંશમ્ || ના આજીવન સભ્ય બનવા વિનંતી કરવામાં આવે છે.

લોહાણા મહાજનવાડીની રૂબરૂ મુલાકાતનો નિયમ રાખી સૂચના ફલક વાંચવાથી માહિતી મળી રહેશે. મહાજનશ્રી દ્વારા જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને તબીબી સહાય, શૈક્ષણિક સહાય તથા આર્થિક સહાય આપવામાં આવે છે. મહાજનશ્રીના આંગણે સહાય માટે આવેલ સર્વેને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય આપવામાં આવે છે.

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.

GU